સફરેઈસ્લામ(safareislam)-05
image
માનદતંત્રીઃ ડૉ.હાજીભાઈ બાદી
સહાયકતંત્રીઃ હિદાયત પરમાર


સંપાદકમંડળ:
૧. મૌ.નઝમુદીન કડીવાર
૨. અબ્દુલકૈયુમ વહોરા
૩. મૌ.ગુલામયાસીન અશરફી
૪. રેશ્માબહેન જત


ટેક્નિકલ સહયોગ:
૧. શાહિદ પટેલ
ર. મકબૂલ માથકિયા
એહલે સુન્નત વ જમાઅતનું ઈ-મેગેઝીન

સફરેઈસ્લામ (માસિક)
(ઈસ્લામિક ગુજરાતી ડાયજેસ્ટ)

જાન્યુઆરી ૨૦૨૬ માહેઃ રજબ
હિજરીસન: ૧૪૪૭
વર્ષ: ૦૧, અંક: ૦૫, સળંગઅંક: ૦૫
લવાજમ: ખિદમતેઈસ્લામ

સ્થાપક અને પ્રકાશક


સફરેઈસ્લામ ગૃપ

એડ્રેસઃ સફરેઈસ્લામ (માસિક)

મુ.પો.પંચાશિયા, તા.વાંકાનેર,

જિ.મોરબી. પીન: ૩૬૩૬૨૧.

web: www.safareislam.com

Email: info@safareislam.com

સફરે ઈસ્લામ કોના માટે છે?

  • ઉર્દૂ અને અરબી નહીં જાણનારા સામાન્ય ગુજરાતી વાચકો માટે.

  • ધંધા-રોજગાર, ઓફિસ-મુસાફરી વગેરેમાં આપના મોબાઇલમાં વાંચવા સાંભળવા માટે.

  • શાળાઓ અને મદ્રેસાઓમાં ભણતા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ માટે.

હાર્દિક અપીલ

  • દીનેઈસ્લામ સંબંધિત કોઈપણ વ્યકિતને સેવા-સવાબના ભાવસાથે આ સામયિક સફરેઈસ્લામના ધારાધોરણ મુજબ શુદ્ધ ગુજરાતીભાષામાં લેખ લખી મોકલવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

  • આ સામયિકના તમામ લેખો શરઈ ચોકસાઈપૂર્વક પ્રગટ થાય છે, છતાં કોઇનાએ ધ્યાનમાં કોઈ ભૂલચૂક જણાયતો બિનચૂક અમારું ધ્યાન દોરશોજી.

  • સામયિક સંબંધી તમામ કામો માટેનું સંપર્ક સૂત્રઃ ૯૪૨૬૯૩૦૩૮૧.

અઝાન મારફતે દરરોજ બે કરોડ અને ચોસઠ લાખ નેકી કમાઓ

અલ્લાહો અકબર, અલ્લાહો અકબર
અલ્લાહો અકબર, અલ્લાહો અકબર

અશ્હદો અલ્લાઈલાહા ઈલ્લલ્લાહ
અશ્હદો અલ્લાઈલાહા ઈલ્લલ્લાહ

અશ્હદો અન્ન મુહમ્મદર્રસૂલુલ્લાહ
અશ્હદો અન્ન મુહમ્મદર્રસૂલુલ્લાહ

( પછી જમણી તરફ મોઢું ફરવીને બોલવું કે)

હૈયા અલસ્સલાહ
હૈયા અલસ્સલાહ

(પછી ડાબી તરફ મોઢું ફેરવીને બોલવું કે)

હૈયા અલલ ફલાહ
હૈયા અલલ ફલાહ

અલ્લાહો અકબર, અલ્લાહો અકબર
લા ઈલાહા ઈલ્લલ્લાહ.

(નોટ : માત્ર સવાર (ફજર)ની નમાઝમાં નીચેના કલ્માત ઉમેરવાના છે, પરંતુ તે કલ્માત "હૈયા અલલ ફલાહ” બોલાઈ ગયા પછી પઢવાના છે. તે કલ્પાત મા છે :

અસ્સલાતો ખયરૂમ મિનન્નોમ,
અસ્સલાતો ખયરૂમ મિનન્નોમ.

તે પછી બાકીના કલ્માત અઝાનમાં છે તે પઢીને અઝાન પૂરી કરે.

અઝાનનો અર્થ :

અલ્લાહ ઘણો મોટો છે,
અલ્લાહ ઘણો મોટો છે
અલ્લાહ ઘણો મોટો છે,
અલ્લાહ ઘણો મોટો છે
હું સાક્ષી આપું છું કે, અલ્લાહ સિવાય (બીજો) કોઈ માઅબૂદ (પૂજ્ય) નથી.
હું સાક્ષી આપું છું કે, અલ્લાહ સિવાય (બીજો) કોઈ માઅબૂદ (પૂજ્ય) નથી.
હું સાક્ષી આપું છું કે, હઝરત
મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) અલ્લાહના રસૂલ છે. હું સાક્ષી આપું છું કે, હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) અલ્લાહના રસૂલ છે.
આવો, નમાઝની તરફ, આવો નમાઝની તરફ
આવો, નજાત મેળવવા આવો
આવો, નજાત મેળવવા આવો
અલ્લાહ ઘણો મોટો છે, અલ્લાહ ઘણો મોટો છે
અલ્લાહ સિવાય (બીજો) કોઈ માઅબૂદ (પૂજ્ય) નથી.
નોટ : 'અસ્સલાતો ખયરૂમ મિનન્નોમ' (બે વખત) (અર્થ : નમાઝ ઊંઘ કરતાં સારી છે.)
આ શબ્દો ફજરની નમાઝમાં ‘હૈયા અલલ ફલાહ' બે વખત બોલાઈ ગયા પછી પઢવાના છે. એક બીજી ખાસ વાત યાદ રાખો કે, ઉપર લખેલી, જે અઝાન બતાવી, તે નમાઝ થતાં પહેલાં પાંચ વખત ‘મોઅઝઝીન’ (એટલે અઝાન આપનાર વ્યક્તિ) પોકારે છે, તે અઝાન છે. પરંતુ મસ્જિદમાં નમાઝ શરૂ થતાં પહેલાં જ્યારે ઈમામ સાહેબ નમાઝ માટે ઉભા થાય છે અને બધા નમાઝીઓ કતારબદ્ધ રીતે તેમની પાછળ ઉભા થઈ જાય તે પહેલાં પણ અઝાનના શબ્દો મસ્જિદની અંદર બોલવામાં આવે છે. તેને 'એકામત' (તકબીર) કહેવાય છે. આ વખતે ‘હૈયા અલલ ફલાહ'ના શબ્દો બે વાર બોલાઈ જાય, તે પછી બે વખત 'કદકા
મતિસ્સલાહ, કદકામતિસ્સલાહ' એવા શબ્દો બોલાય છે. તેનો અર્થ એવો થાય છે કે, ‘ઉભી થઈ ગઈ નમાઝની જમાત.
અહીં સુધી આપણે અઝાન, તેના અર્થ વગેરે જોઈ ગયા. હવે જોઈએ કે, હુઝૂર મદની તાજદાર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) અઝાનના એ શબ્દોની નેકીઓ કેટલી છે, તેના દરજા કેટલા બુલંદ છે, કેટલા ગુનાહ માફ થાય છે, તે વિષે શું ફરમાવે છે, તે વાંચો અને એક પળનો પણ વિલંબ કર્યા વિના દરેક બહેન 'એક કરોળ બત્રીસ લાખ' નેકી કમાઈ લે : આ મહાન બદલો પાંચ વખતની અઝાનને અને તકબીર (એકામત)ને મોઅઝઝીનની સાથે સાથે તે જ શબ્દો રીપીટ કરવામાં અને મુકબ્બીર (તકબીર કહેનાર)ની સાથે સાથે પાંચે પાંચ વખત રીપીટ કરવામાં (તેઓની સાથે સાથે બોલતા જવું એટલે રીપીટ કરવું, દોહરાવવું) મળે છે. ઉપરાંત એક લાખ બત્રીસ હજાર દરજ્જા બુલંદ થશે. તદુપરાંત એક લાખ બત્રીસ હજાર ગુનાહ માફ થઈ જશે. આ નેકી અને સવાબ ઔરતો માટે છે. પરંતુ પુરુષો (મુસલમાનો) પણ જો અઝાન, એકામત (તકબીર) વિ.ના શબ્દો દોહરાવે તો તેમને ડબલ સવાબ મળશે. અર્થાત બે કરોડ ચોસઠ લાખ નેકી મળશે.
બે લાખ ચોસઠ હજાર દરજ્જા બુલંદ થશે અને બે લાખ ચોસઠ હજાર ગુનાહ માફ થઈ જશે.” (મદની તાજદારની, હદીસ અત્રે પૂરી થઈ. એ હદીસ ‘ઇબ્ને અસાકીરે' બયાન કરી છે.
સુજ્ઞવાચકો ! અલ્લાહની રહમત પર કુરબાન થઈએ. સરસ હદીસ છે. આપણા માટે નેકીઓ કમાવાનું, દરજ્જા વધારવાનું અને ગુનાહ માફ કરાવવાનું કેટલું સરળ બનાવી દીધું ! પરંતુ અફસોસ! આટલી આસાનીઓ (સરળતા) હોવા છતાં, આપણે ગફલતના શિકાર બનેલા છીએ. આપણા ભાઈઓ અને બહેનો આવી મોટી નેકી. મોટા દરજ્જા અને ગુનાહોની માફીની આવી સરળ રીત કયારે શીખી લેશે ? હવે આ ફઝીલતની તફસીલ જોઈએ.
'અલ્લાહો અકબર-અલ્લાહો અકબર'ને એક વાકય ગણવામાં આવ્યું છે. તે રીતે ગણતાં પૂરી અઝાનમાં ૧૨ વાકયો (કલેમાત) છે. નેકીની ગણત્રી આ રીતે કરી છે. હુઝૂરે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) દરેક વાક્યના બદલે એક લાખ નેકી દર્શાવી છે. તો જો કોઈ ઈસ્લામી બહેન અઝાનનો જવાબ આપે (એટલે રીપીટ કરતી જાય) તો ૧૨ વાકયો (કલેમાત) હોવાના કારણે બાર લાખ નેકી થઈ, ૧૨ હજાર દરજ્જા બુલંદ થાય, બાર હજાર ગુનાહ માફ થશે. એ જ
હકીકત અને અમલ જો મોમીન પુરુષ કરે તો ડબલ ગણી લેવાનું છે એવું હુઝૂરે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ફરમાવ્યું છે. ફજરની નમાઝમાં બે વખત 'અસ્સલાતો ખચરૂમ મિનન્નોમ' છે. તેથી ૧૨+૨=૧૪ વાકયો થયાં. તેથી ફજરની અઝાન સાંભળે અને સાથે સાથે જે બહેન તે જ શબ્દો દોહરાવતી જાય તેને ચૌદ લાખ નેકીઓ મળશે, ચૌદ હજાર દરજા બુલંદ થશે અને ચૌદ લાખ ગુનાહ માફ થશે. એ જ અમલ, જો મોમીન પુરુષે કર્યો. તો તે બમણો સવાબ લઈ ગયો. નમાઝ મસ્જિદમાં ઉભી થાય એટલે જમાતની શરૂઆત થતાંજ જે તકબીર કહેવામાં આવે છે, તેમાં બે વખત કદકા મતિસ્સલાહ' બોલવાનું છે. તેથી ઈકામતમાં પણ ચૌદ વાકયો થયાં. તેથી ઈકામતના શબ્દોને રીપીટ કરનારને પણ ફજરની અઝાનના શબ્દો રીપીટ કરનાર બહેનને જે મળે તેટલો જ સવાબ મળ્યો. સારાંશ એ જાણવા મળ્યો કે, કોઈ મુસ્લિમ બહેન પાંચે પાંચ વખતની અઝાનના જવાબમાં તે જ શબ્દો રીપીટ કરતી જાય અને પાંચે પાંચ વખત મસ્જિદમાં જે ઈકામત પઢાય છે, તે પૂરી ઈકામત પાંચે પાંચ નમાઝ વખત રીપીટ કરતી જાય, તો તેને દરરોજ એક કરોડ બત્રીસ લાખ નેકીઓ
મળશે, એક લાખ, બત્રીસ હજાર દરજ્જા બુલંદ થશે અને એક લાખ બત્રીસ હજાર ગુનાહ માફ થશે. પરંતુ મુસ્લિમ પુરૂષ જો એ જ અમલ કરે તો તેમને ડબલ સવાબ મળશે અર્થાત બે કરોડ, ચોસઠ લાખ નેકીઓ મળશે, બે લાખ, ચોસઠ હજાર દરજ્જા બુલંદ થશે, બે લાખ ચોસઠ હજાર ગુના માફ થશે, એવું હુઝૂર નબીએ કરીમે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ઉપરની હદીસમાં ફરમાવ્યું છે,
ગુનાહે ગદાકા હિસાબ કયા
વો અગરચે લાખ સે હય સિવા મગર અય અફુ, તેરે અફવ કા
ન હિસાબ હય, ન શુમાર હય
હદીસ મુબારકની માહિતી પૂરી થઈ. અલ્લાહ તઆલા દરેક મુસલમાન સ્ત્રી-પુરુષ અને બાળકને નેકીના રસ્તે ચાલવાની (નેકી કરવાની) હિદાયત અને તૌફિક અતા ફરમાવે-આમીન-તંત્રી
કિતાબોમાંથી ઉતારેલી વધારાની જાણકારી :
(૧) અઝાનમાં 'અશ્હદો અલ્લાઈલાહા ઈલ્લલ્લાહ' શબ્દો તમે સાંભળો, ત્યારે દરૂદ શરીફ પણ પઢો ('સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ' એ પણ દરૂદ શરીફ જ છે.) પરંતુ મુસ્તહબ (સારી વાત) એ છે કે, હાથના અંગુઠાને ચુંબન કરીને આંખો પર ફેરવે અને એવું બોલે કે, 'યા રસૂલલ્લાહ ! આપનાથી જ
મારી આંખોની ઠંડક છે. હે અલ્લાહ મારી શ્રવણ શક્તિ અને દર્શન શક્તિથી મને નફરત અતા ફરમાવ.' (હવાલો : રદ્દુલ મોહતાર)
(૨) હૈયા અલસ્સલાહ (બે વાર) અને હૈયા અલલ ફલાહ (બે વાર) એટલે કુલ ચાર વખત અઝાનમાં બોલાય છે, ત્યારે “લા હૌલ વલા કુવ્વતા ઈલ્લા બિલ્લાહ" એ કલ્માત રીપીટ કરવા અને હજી વધારે પઢવું હોય તો 'લા હૌલ' પઢી લીધા બાદ આ શબ્દો પણ મેળવી લે. "માશા અલ્લાહો કાન વ માલમ યશાસ્ લમયકુન" (અર્થ : અલ્લાહે જે ચાહ્યું તે જ થયું, જે નથી ચાહ્યું, તે નથી થયું.) (હવાલો : દુર્રે મુખ્તાર : રદ્ દુલ મુખ્તાર : આલમગીરી
' નૌશએ બઝમે જન્નત' અંક ( તયબાહ) એપ્રિલ+મે ૨૦૦૪
અનુક્રમણિકા પર પાછા જાઓ

હઝરત ખ્વાજા બંદા નવાઝ ગેસુદરાઝ ( રહમતુલ્લાહ તઆલા અલયહ )

સંપાદક : હાજી ઉસ્માનભાઈ અહમદજી ખત્રી, ચિશ્તી (તંત્રી : 'તયબાહ')
સુલ્તાનુલ ઉરફા, ઈમામુલ અવલીયા, સૈય્યદુસ્સાદાત, હઝરત મખ્દુમ સૈયદ મોહમ્મદ હુસેની ગેસુદરઝ (રહમતુલ્લાહ તઆલા અલયહ) હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન (રદિયલ્લાહો તઆલા અન્હો)ની ઔલાદમાંથી હતા. આપનો સિલસિલો બાવીસ પેઢીએ હુઝૂર મદની તાજદાર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ સુધી પહોંચે છે.
આપનું મુબારક નામ મોહમ્મદ હતું, કુન્નીયત - અબુલ ફત્હ હતી, લકબ સદરૂદ્દીન હતો. દક્ષિણમાં આમ - જનતામાં એટલે લોકોમાં ખ્વાજા બન્દા નવાઝ ગૈસુદરાઝના નામથી મશહૂર થયા હતા. તે જમાનામાં - સાદાતોની એ નિશાની હતી કે સાદાતો માથાના વાળ વધારતા હતા. હઝરત શાહ અબ્દુલહક મોહદી‌સ દેહલ્વીએ લખ્યું છે કે, ગેસુદરાઝના મુબારક વાળ ઘુંટણ સુધી લાંબા હતા. એક દિવસ આપ પોતાના પીર હઝરત કુત્બુલ અકતાબ, ખ્વાજા નસીરૂદ્દીન ચિરાગ દેહલ્વી (રહમતુલ્લાહે તઆલા અલયહ)ની પાલખી, પોતાના ખભા પર ઊંચકીને જઈ રહ્યા હતા. રસ્તામાં આપના લાંબા વાળ પાલખીના પાયામાં ફસાઈ ગયા. પરંતુ અદબના
લેહાઝથી પોતાના પીરની સવારીને રોકી દેવાનું ઠીક લાગ્યું નહિ. આ વાતની જ્યારે પીરોમુર્શિદને ખબર થઈ, ત્યારે તેમણે મહોબ્બતના જોશમાં ઈર્શાદ ફરમાવ્યો કે,
હરકે મુરીદે સૈય્યદ,ગેસુ દરાઝ શુદ
વલ્લાહ ખીલાફ નીસ્ત કે ઉ ઇશ્કબાઝ શુદ
આપના પિતા સૈયદ યુસુફ હુસેની ઉર્ફે સૈયદ રાના હતા. આપના પિતાએ પોતાના નફસ સાથે પૂરેપૂરો જેહાદ કર્યો હતો, તેથી “રાજુ કત્તાલ” તરીકે મશહૂર થયા હતા. હઝરત સૈયદ યુસુફ, દિલ્હીના મહબૂબે ઈલાહી હઝરત ખ્વાજા નિઝામુદ્દીનના મુરીદ હતા અને હઝરત ખ્વાજા નસીરૂદ્દીન મેહમુદ ચિરાગ દેહલ્વીના ફયઝો બરકત પણ પ્રાપ્ત કર્યા હતા.
હઝરત ખ્વાજા ગેસુદરાઝ રજબ મહિનાની ચોથી તારીખે, હિજરી વર્ષ ૭૨૧માં દિલ્હીમાં પેદા થયા હતા.આપ સાત વર્ષના હતા, ત્યારે સુલ્તાન મોહમ્મદ તઘલકે દિલ્હીને બદલે દેવગિરી (દૌલતાબાદ)ને પાટનગર બનાવવાની ઈચ્છા કરી, તેથી દિલ્હીના તમામ રહેવાસીઓને દૌલતાબાદ ચાલ્યા જવા હુકમ કર્યો. હઝરત ખ્વાજા ગેસુદરાઝના વાલીદ સાહેબ હઝરત સૈયદ યુસુફ પોતાના કુટુંબ-કબીલા સાથે, ૨૦ રમઝાન
હિજરી ૭૨૭ માં દિલ્હીથી રવાના થયા અને ૧૭ મોહરૅમ હિજરી ૭૨૯માં દૌલતાબાદ પહોંચ્યા. ત્યાં બે વર્ષ પછી ૫ શવ્વાલ, હિજરી ૭૩૧માં આપનો વિસાલ થયો. તેમને પોતાના મકાનમાં જ દફન કરવામાં આવ્યા. પિતાના વિસાલ વખતે હઝરત ખ્વાજા ગેસુદરાઝની ઉંમર દસ વર્ષ, ત્રણ મહિના અને એક દિવસની હતી.
પિતાની હયાતી હતી ત્યાં સુધી, તેમના હાથ નીચે તથા નાનાજાન અને બીજા ઉસ્તાદોના હાથ નીચે હઝરત ગેસુદરાઝ તાલીમ મેળવતા રહ્યા. કુર્આન શરીફના હાફિઝ થયા. ધીમે ધીમે હઝરત ખ્વાજા ગેસુદરાઝ, હઝરત નસીરૂદ્દીન મહેમુદ ચિરાગે દેહલ્વી તરફ આકર્ષાયા અને પ્રભાવિત થયા હતા, પરંતુ પોતાની નાની ઉંમર અને દિલ્હી સુધીનું લાંબું અંતર રૂકાવટ કરતું હતું. આ દરમિયાન હઝરત ગેસુદરાઝના અમ્માજાનના ભાઈ મલેકુલ ઉમરા સૈયદ ઈબ્રાહીમ અને દૌલતાબાદના ગવર્નરને કોઈ વિષયમાં મનદુખ થયું. તેથી તેણી પોતાના બંને દીકરાઓને લઈને દિલ્હી ચાલ્યા આવ્યાં. તે ૪ રજબ, હિજરી સન ૭૩૬ના રોજ દિલ્હી પહોંચ્યા. તે વખત ખ્વાજા ગેસુદરાઝની ઉંમર પંદર વરસની હતી.
દિલ્હી પહોંચીને
હઝરત ખવાજા ગેસુદરાઝ સુલ્તાન કુત્બુદ્દીન અયબકની જુમ્મા મસ્જિદમાં નમાઝ પઢવા ગયા. હઝરત ખ્વાજા નસીર ચિરાગ દહેલ્વી પણ ત્યાં તશરીફ લાવ્યા હતા. હઝરત ચિરાગ દહેલ્વીને જોઈને હઝરત ગેસુદરાઝ દિવાના બની ગયા. પછી પોતાના ભાઈ સૈયદ હુસેનને સાથે લઈને, ૧૬ રજબ, હિજરી સન ૭૩૬ના રોજ તેમની ખિદમતમાં હાજર થઈને તેમના મુરીદ થઈ ગયા. તેમના હલ્કએ ઈરાદતમાં શામિલ થયા બાદ રિયાઝત અને મુજાહેદાતમાં મશગૂલ થઈ ગયા. સાથે સાથે ઉલુમે ઝાહેરી (શરઈ વિદ્યાઓ)ની તાલીમ પણ લેવા માંડી. મૌલાના શરફુદ્દીન, મૌલાના તાજુદ્દીન બહાદુર, કાઝી અબ્દુલ મુકતદીર અને બીજા ઉસ્તાદો પાસેથી દીની ઈલ્મ અને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખ્યું. માત્ર ૧૯ વર્ષની ઉંમરે સંપૂર્ણ ઝાહેરી ઈલ્મ શીખી લીધો. તે પછી પોતાનો તમામ સમય રિયાઝત, મુજાહેદા અને અશગાલે બાતેનીમાં વિતાવતા રહ્યા.
હઝરત ખ્વાજા ગેસુદરાઝના મલ્ફુઝાત (બોધવચનો)માં ઉલ્લેખ છે કે, શેખુલ ઈસ્લામ ખ્વાજા નસીરૂદ્દીન ચિરાગ દેહલીએ મારી પર મહેરબાની અને મહોબ્બત ફરમાવી. હઝરતે મારી પાસે
રીયાઝતો એવી રીતે કરાવી કે મારી તબિયત પર જરાય બોજો લાગ્યો નહિ. એક દિવસે મારા પીરો મુર્શિદે મને ફરમાવ્યું કે, તમે ફજરની નમાઝ વખતે જે વુઝૂ કરો છો, તે સૂર્યોદય થયા પછી કાયમ રહે છે કે નહિ? મેં કહ્યું કે, હા! કાયમ રહે છે. પીરો-મુર્શિદે ફરમાવ્યું કે, સારુ છે, તે જ વુઝૂથી ઈશરાકની બે રકઅત નમાઝ પઢયા કરો. મેં કહ્યું કે, સારૂં, હું પઢતો રહીશ, ત્યારે હઝરતે ફરમાવ્યું કે, દોગાના શુકુન્નહાર, ઈસ્તેખારા અને ઈસ્તેઆદા પણ પઢયા કરો. થોડા દિવસ પછી હઝરતે મને ઈર્શાદ ફરમાવ્યો કે, ચાશ્તની નમાઝ પણ મેળવી લો અને પઢો.
હું હમેશાં રજબમાં રોજા રાખતો હતો અને શાબાનમાં નવ રોજા રાખતો હતો. એક દિવસે હઝરત પીરો મુર્શિદે મને ફરમાવ્યું કે, તમે ૨૧ રોજા વધારે રાખી લો. તો ત્રણ મહિનાના પુરા રોજા થઈ જાય. રમજાન પછી શશઈદના રોજા પણ હું રાખતો હતો. દરમિયાન હઝરતની કદમબોસી કરવા ગયો ત્યારે હઝરત પીરો મુર્શિદે મને ફરમાવ્યું કે, આપણા ખ્વાજગાન " સૌમે દાઉદી " ( દાઉદી રોજા ) રાખતા હતા, પરંતુ તમે સૌમે દવામ રાખ્યા
કરો.
૧૫મી રમઝાન, હિજરી વર્ષ ૭૫૭મા મંગળવારની રાત્રે હઝરત ખ્વાજા નસીરૂદ્દીન ચિરાગ દહેલ્વી બિમાર થયા. અકીદતમંદો અને મુરીદોએ વિનંતી કરી કે, ચિશ્તીયા રિવાજ મુજબ આપના ગાદીનશીન કોને નક્કી કરો છો ? હઝરતે ફરમાવ્યું કે, લાયક માણસોનું લીસ્ટ બનાવો. હઝરત મૌલાના ઝૈનુદીને જે લિસ્ટ બનાવ્યું તેમાં ખ્વાજા ગેસુદરાઝનું નામ ન હતું. શેખુલ ઈસ્લામે ફરમાવ્યું કે, તમે કયા માણસના નામ લખી લાવ્યા ? તે બધાને કહી દો કે ખિલાફતનો બોજો સંભાળવો તે દરેક શખ્સનું કાર્ય નથી. મૌલાના ઝૈનુદીને તેમાંથી કેટલાંક નામ ઓછાં કરીને માત્ર બે જ નામ રહેવા દીધાં. આ બે નામમાં પણ ખ્વાજા ગેસુદરાઝનું નામ ન હતું. શેખુલ ઈસ્લામે ફરમાવ્યું કે, સૈયદ મોહમ્મદનું નામ તમે લખ્યું નથી ? આ નામ સાંભળી બધા કાંપી ગયા. હઝરત ગૈસુદરાઝનું નામ લખીને હાજર થયા. હઝરત પીરો મુર્શિદે હઝરત ગેસુદરાઝના નામને પસંદ ફરમાવ્યું. તે પછી ૧૮મી રમઝાન હિજરી સન ૭૫૭માં હઝરત પીરોમુર્શિદનો વિસાલ થઈ ગયો. ત્રીજાની ઝિયારત પછી, હઝરત ખ્વાજા ગેસુદરાઝ
વિલાયતની સજ્જાદા પર જલ્વા અફરોઝ થયા. તે વખતે તેમની ઉંમર ૩૬ વર્ષની હતી. આપે લોકોને મુરીદો બનાવવા માંડયા અને રૂશ્દો હિદાયતની તાલીમ લોકોમાં શરૂ કરી.
જ્યારે આપની ઉંમર ૪૦ વર્ષની થઈ, ત્યારે આપની વાલેદા (મા)ના આગ્રહથી, આપે સૈયદ અહમદ બિન હઝરત સૈયદ મૌલાના જમાલ મગરીબીની સાહેબઝાદીથી શાદી કરી.
હઝરત ખ્વાજા ગેસુદરાઝ હિજરી સન ૮૦૦ સુધી દિલ્હીમાં રહીને લોકોને રૂશ્દો હિદાયતનાં અમૃત પાતા રહ્યા. હિજરી સન ૮૦૧માં અમીર તૈમુરે અબુરનો દરિયો પાર કર્યો, ત્યારે હઝરત ખ્વાજા ગેસુદરાઝે લોકોને આવનારી આફતથી બચવા માટે દિલ્હી છોડી જવા જણાવ્યું. આપ પોતે પણ ગ્વાલિયર ચાલ્યા ગયા. ત્યાં થોડો સમય રહી જુદા જુદા શહેરોમાં જુદા જુદા સમયે રહ્યા બાદ છેલ્લે દૌલતાબાદ આવ્યા. સુલ્તાન ફિરોઝશાહ બહમની જે દક્ષિણનો સુલ્તાન હતો, તેને હઝરતના દૌલતાબાદમાં આગમનની ખબર પડી, ત્યારે પોતાના ગવર્નરને લખ્યું કે, તે પોતે જાતે હઝરત ખ્વાજા સાહેબ પાસે જાય અને નઝર-હદિયા પેશ કર્યા બાદ ગુલબર્ગ પધારવાનું આમંત્રણ આપે.
જ્યારે આ રીતે હઝરત ખ્વાજા સાહેબ ગુલબર્ગ નજીક પહોંચયા, ત્યારે સુલ્તાન ફિરોઝશાહ બહમની પોતાના ખાનદાન તથા અમીરો, સાદાતો અને શાહી લશ્કર સાથે હઝરતનો સત્કાર કરવા આવ્યો હતો. હઝરત ખ્વાજા ગેસુદરાઝ ગુલબર્ગમાં કિલ્લાની પાછળના ભાગમાં ઘણા વર્ષો રહ્યા. આપ લગભગ ૨૨ (બાવીસ) વર્ષ સુધી ગુલબર્ગમાં રહ્યા. આપે ફયુઝ અને બરકતના દરિયા વહાવી દીધા. જ્યારે આપની ઉંમર ૧૦૪ વર્ષ, ચાર મહિના અને બાર દિવસથી થઈ, ત્યારે ૧૬મી ઝિલકઅદ, હિજરી ૮૨૫માં સોમવારના દિવસે, ઈશરાક અને ચાશ્તના સમયની વચ્ચેના સમયે, આ ફાની દુનિયામાંથી, દારૂલ આખેરત તરફ સફર ફરમાવી. હઝરતના વિસાલના દોઢ મહિના પહેલાં સુલ્તાન ફિરોઝશાહ ગાદીએ બેઠો હતો. આ સુલ્તાન અહમદ, હઝરત ગેસુદરાઝ (રહેમતુલ્લાહ અલયહે)થી ખુબ અકીદત રાખતો હતો. તેણે હઝરતના મઝાર મુબારક પર આલિશાન ગુંબદ બનાવ્યો. ગુંબદ અને દિવાલોની અંદરના હિસ્સાને સોનેરી નકશો નિગારથી શણગાર્યા છે. તેણે મઝાર મુબારકની દિવાલો પર સોનેરી અક્ષરોથી કુર્આની આયતો લખાવી છે, જે આજે પણ મોજૂદ છે. હિન્દુસ્તાનમાં
આપના મઝારનો ગુંબદ સૌ મઝારોના ગુંબદથી ઊંચો છે.
હઝરત ખ્વાજા ગેસુદરાઝ, પોતાના જમાનાના જલીલુલ કદ્ર વલીયે કામિલ હતા. ચિશ્તીયા સિલસિલાના બુઝુર્ગોમાં હઝરત ખ્વાજા હસન બસરી (રહમતુલ્લાહે અલયહ)થી માંડી ઠેઠ હઝરત ખ્વાજા નસીરૂદ્દીન ચિરાગે દેહલી સુધી, કોઈએ પણ લેખનપ્રવૃત્તિ તરફ બહું ધ્યાન આપ્યું નથી. જો કે એ સૌ બુઝુર્ગો પોતાના જમાનાના મોહક્કીક (સંશોધક) અને વિશાળ ઈલ્મના માલિક હતા, પરંતુ હઝરત ખ્વાજા ગેસુદરાઝે (રહમતુલ્લાહે અલયહ) નાની-મોટી બધી મળીને ૧૦૫ કિતાબો લખી છે. તેમાંની જે ઘણી મશહૂર છે તેનાં નામ નીચે મુજબ છે.
(૧) તફસીરે કુર્આન (પાંચ પારા)
(૨) શરહે મશારિકુલ અન્વાર
(૩) મઆરીફ-શરહે અવારીફ (અરબીમાં છે)
(૪) તરજુમા અવારીફ (ફારસીમાં છે)
(૫) શરહે તઆરૂફે શહે આદાબે મુરીદીન (અરબીમાં)
(૬) શરહે આદાબે મુરીદીન (ફારસીમાં છે)
(૭) શરહે નસુસુલ હકમ
(૮) શરહે તમ્હીદાત અયનુલકઝાત હમ્દાની
(૯) શરહે રીસાલા કશીરીયહ
(૧૦) ખતાઈરલ કુદસુલ મઆરિફ બ રીસાલા ઈશ્કીયા
(૧૧) અસ્માઉલ અસ્રાર
(૧ર) હદાઈકુલ ઈન્સ
(૧૩) ઈસ્તેકામત અલશશરીયત બ તરીકુલ હકીકત
(૧૪) હવાશી, કુવ્વતુલ કલ્બ
(૧૫) શરહે ફીકહે અકબર (અરબીમાં છે)
(૧૬) શરહે ઈલ્હામાત હઝરત ગૌસે આઝમ
એ રીતે ઘણી કિતાબો હઝરતે લખી છે. હઝરત કદી કદી ગઝલો અને રૂબાઈયો પણ લખતા હતા.
હઝરત ખ્વાજા ગેસુદરાઝના બોધવચનો “રૂહે તસવ્વુફ"ના નામથી કિતાબી શકલમાં પ્રગટ થયા છે. તેમાં હઝરત ગેસુદરાઝ એક બુઝુર્ગનો પ્રસંગ વર્ણવે છે. તે પ્રસંગ આપણા માટે સમજવા જેવો છે, માટે તે પ્રસંગનો અત્રે ઉતારો કર્યા બાદ આ લેખ સમાપ્ત કરું છું. તે પ્રસંગમાં જણાવ્યું છે કે, એક બુઝુર્ગ હતા. તે જાણવા માગતા હતા કે, ખુદાના દોસ્ત કયા લોકો છે. તેમની ખ્વાહીશ હતી કે જો તેમને ખુદાના દોસ્ત મળી જાય, તો તેમની સંગતમાં રહીને તાલીમ પ્રાપ્ત કરે. તે રાત્રેતેમને સ્વપ્નમાં બતાવવામાં આવ્યું કે, સવારે ફજરની નમાઝ , વખતે, તમારી લગોલગ જે માણસ નમાઝ પઢવાનો છે,તે અમારો દોસ્ત છે. આ સ્વપ્ન જોઈને તે બુઝુર્ગ ઘણા ખુશ થયા. સવાર થઈ. તે મસ્જિદમાં ગયા, સુન્નતો પઢી. પછી જ્યારે ફર્ઝ નમાઝનો સમય થયો, ત્યારે એક
શખ્સ તેમની જમણી તરફ ઉભો થઈને નમાઝમાં શરીક થઈ ગયો. નમાઝ થઈ ગયા પછી તે બુઝુર્ગ ને જાણવા મળ્યું કે, બાજુમાં બેસનાર શખ્સ તો કોઈ નીલગર (રંગરેજ) છે. તે બુઝુર્ગને સદમો થયો. તે પોતાના દિલમાં કહેવા લાગ્યાં કે મારૂં સ્વપ્ન સાચું ન હતું. બીજી રાત્રે પણ એ જ સ્વપ્ન જણાયું અને ફજરની નમાઝમાં તે જ શખ્સ તેમના પડખે આવીને નમાઝમાં ઉભો થઈ ગયો. તે બુઝુર્ગ વિચારવા લાગ્યા કે મારી દુઆ હજુ કબુલ થઈ નથી એવું લાગે છે. ત્રીજા દિવસે તે સુલ્હા અને શહીદોની ઝિયારતના હેતુથી ઘેરથી રવાના થયા. રસ્તામાં જોરથી હવા ચાલી, તોફાન સાથે વરસાદ શરૂ થયો, તે કોઈ જંગલમાં જઈને પડયા. તે હૈરાન હતા કે કયાં જવું અને હું કયાં છું? એટલી વારમાં અઝાનનો અવાજ સંભળાયો. તે અવાજ તરફ ચાલ્યા તો એક નાની મસ્જિદ જોવા મળી. ઝોહરની નમાઝનો સમય હતો. તેમણે વુઝૂ કર્યું. અઝાન આપનાર શખ્સે એલાન કર્યું કે જમાઅત તૈયાર છે. ચારે તરફથી એક એક, બે બે, ફકીર આવવા માંડયા. થોડી વારમાં લગભગ ૨૦૦ માણસો ભેગા થઈ ગયા. પેલા બુઝુર્ગ વિચારવા લાગ્યા કે કદાચ
આ લોકો જ ખુદાના ખાસ મહેબુબ બંદા છે.
ખુદાનો શુક્ર છે કે હવે મારી દુઆ કબુલ થઈ હોય તેવું જણાય છે. મોઅઝઝીને તકબીર પઢી અને નમાઝીઓ સફમાં ઉભા થઈ ગયા. ઈમામ સાહેબની રાહ જોવા લાગ્યા. થોડીવારમાં પેલા નિલગર, ખભા પર મુસલ્લો નાખીને તશરીફ લાવ્યા. બધા લોકો સજદામાં પડી ગયા.
નમાઝ પૂરી થઈ. પેલા બુઝુર્ગે, ઈમામ સાહેબ એટલે નિલગરનો દામન પકડી લીધો. ઈમામ સાહેબે બે આંગળીનો ઈશારો કરીને સમજાવ્યું કે બે રકઅત નમાઝ પઢીને આ બધા દરવેશોની દસ્તબોસી કરો. આ બધા અબ્દાલ, અવતાર, નોજોબા અને નોકોબા લોકો છે.પેલા બુઝુર્ગે બે રકઅત નમાઝ પઢી અને બધા દરવેશોની દસ્તબોસી કરી, તે પછી પેલા ઈમામ એટલે નિલગરે તે બુઝુર્ગને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું કે, આંખો બંદ કરી દો. પછી કહ્યું કે હવે આંખો ખોલી નાખો. તેમણે આંખો ખોલી તો તે બુઝુર્ગ પોતાના મકાનમાં મોજુદ હતા. તે બુઝુર્ગ વિચારવા લાગ્યા કે પેલા નીલગરની ખિદમતમાં જાઉં. પરંત તે નિલગર તરત જ ત્યાં હાજર થયા. પેલા બુઝુર્ગે બે રકઅત નમાઝ પઢીને પોતાનું માથું સિજદામાં
મુકયું, ત્યારે તેમની રૂહ પરવાઝ થઈ ગઈ હતી. (સંપૂર્ણ ) ‌ તયબાહ ૧-૭-૨૪
અનુક્રમણિકા પર પાછા જાઓ

નમાઝની રૂહ

સંપાદક : જનાબ ગુલામ મોહયુદ્દીન ઈસ્માઈલ હાફેઝ (નબીપુર)
હમ્દો-સના, દરૂદો-કિરઅત ઔર દુઆ સલામ હૈ જમા, હર તરહકા, વઝીફા નમાઝમેં
ગર કબ્ર કે અંધેરે સે ડરતા હય, પળ્હ નમાઝ હય રહમતે ખુદાકા, ઉજાલા નમાઝમેં
યે કબ્રમેં અમીન, યે મહશરમેં હો શફીઅ
ઉકબાકી રાહતેં હંય, સરાપા નમાઝમેં
નમાઝની રૂહ શું છે તે સમજતાં પહેલાં નમાઝ વિષેના એહકામો ટૂંકમાં જાણી લઈએ. ઈસ્લામનો પાયો પાંચ ચીજો પર છે. (૧) કલ્મએ તૈયબ: એટલે અલ્લાહ સિવાય બીજો કોઈ પૂજનીય નથી અને હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) તેના બંદા અને રસૂલ છે. (ર) નમાઝ કાયમ કરવી. (૩) રમઝાનના રોઝા રાખવા. (૪) ઝકાત આપવી. (૫) હજ પઢવી.
દરેક પુખ્ત વયના સ્ત્રી-પુરૂષે, દરરોજ પાંચ વખત નમાઝ પઢવી ફરજિયાત છે. પાંચ વખત નમાઝના સમય આ મુજબ છે. (૧) વહેલી સવારે-સૂર્યોદય પહેલાં. (૨) ઝોહર : સૂર્ય ઢળી જાય ત્યારે બપોરે. (૩) અસર : સૂર્યાસ્ત થતાં પહેલાં. (૪) સૂર્યાસ્ત થતાં જ-સંધ્યાકાળે. (૫) ઈશા : એટલે રાત્રે લગભગ સૂર્યાસ્ત પછી ૧-૪૦ મિનિટ પછીથી શરૂ થઈ
વ્હેલી સવાર સુધીના સમયમાં કોઈપણ સમયે.
મદની તાજદારે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ફરમાવ્યું કે, જેણે નમાઝ છોડી તેણે કુફ્રનું કામ કર્યું. નમાઝ તેના ચોક્કસ સમયે, સારી રીતે વુઝૂ કરીને વખતસર, દિલ લગાવીને પઢો. નમાઝની એ ખૂબી છે કે, નમાઝીનું પૂરુ બદન ઈબાદતમાં લાગી જાય છે. હાથ, પગ, માથું, કમર, નાક, આંખ, જીભ, સર્વેને એવી રીતે ક્રમવાર કામમાં લાવવા પડે છે કે, દરેક અવયવ અલ્લાહની ઈબાદતમાં મશગૂલ બની જાય છે. કુર્આને હકીમમાં ઈર્શાદે રબ્બાની છે કે, નમાઝ, બેશક બેહયાઈ અને બૂરાં કામોથી રોકે છે. કુર્આનમાં લગભગ ૭૦૦ (સાત સો) વખત નમાઝનો ઝિક્ર આવ્યો છે. કુર્આને હકીમમાં જણાવ્યું છે કે, સારી રીતે નમાઝ પઢો. હદીસ શરીફમાં છે કે, પાંચ નમાઝો અલ્લાહ તઆલાએ ફર્ઝ કરી. જેણે નમાઝોનું વુઝૂ સારી રીતે કર્યું અને વખતસર નમાઝ પઢી, રૂકૂઅ, સિજદા, સારી રીતે અદા કર્યા, તો તેને માટે અલ્લાહ તઆલાનું વચન છે કે તે ઝિમ્મેદાર છે કે તે નમાઝીને બખ્શી દેશે. જેણે એવી નમાઝ ના પઢી, તો તેના માટે અલ્લાહનું કોઈ વચન કે
ઝિમ્મેદારી નથી. તે ચાહે બખ્શી દે, ચાહે અઝાબ આપે. એક વખત મદની તાજદાર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) શરદીના દિવસોમાં, શહેરની બહાર તશરીફ લઈ ગયા. તે પાનખરનો સમય હતો. ઝાડ પરથી પાંદડા પડી રહ્યાં હતાં. આપ સરકારે એક ઝાડની બે ડાળ લીધી. તેને પકડતાં જ પાંદડાં ખરી પડયાં. આપ સરકારે, આપના સહાબી હઝરત અબૂઝર (રદિયલ્લાહો અન્હો)ને ફરમાવ્યું કે, અય અબુઝર! જે મુસલમાન બંદો અલ્લાહને રાજી કરવા માટે નમાઝ પઢે છે, તેના (નાના) ગુનાહો આવી રીતે ખરી જાય છે, જેમ આ પાંદડા ખરી રહ્યાં છે. એક વખત મદની તાજદારે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ઈર્શાદ ફરમાવ્યો કે, જેણે નમાઝની પાબંદી કરી, તેને માટે નમાઝ, કેયામતના દિવસે નૂર બનશે, તેના ઈમાનની દલીલ બનશે. તેની નજાતનો સામાન બનશે. જેણે નમાઝની પાબંદી કરી નહિ, તે માણસ, કયામતના દિવસે, કારૂન અને તેના વઝીર હામાન અને મશહૂર મુશરિક ઉબય બિન ખલફ સાથે હશે. આપ સરકારે એવો પણ ઈર્શાદ ફરમાવ્યો છે કે, બેશક ! કયામતના દિવસે, બન્દા પાસેથી સૌથી પહેલાં તેની નમાઝનો હિસાબ લેવાશે. જો નમાઝ
ખરાબ નીકળી તો મહરૂમ રહેશે અને બહુ નુકસાનમાં રહેશે. આપ સરકારની એક હદીસમાં એવું પણ છે કે, વખતસર નમાઝ નહિ પઢનારની નમાઝ મુનાફિકની નમાઝ છે, તે બેઠો બેઠો સૂરજનો ઈન્તેઝાર કરતો રહે છે. જયારે સૂરજ પીળો પડી જાય, ત્યારે ઉભો થઈને જલ્દી જલ્દી (મરઘાની માફક) ચાર ચાંચો મારી લે છે. આપ સરકારે એવું પણ ફરમાવ્યું છે કે, જેની એક નમાઝ જતી રહે, તેને એટલું મોટું નુકસાન થયું, જેવું ઘરનો માલ-દોલત બધું જ જતું રહે. આપ સરકારે એવો પણ ઈર્શાદ ફરમાવ્યો છે કે, બધા લોકોથી બુરો ચોર તે છે, જે પોતાની નમાઝની ચોરી કરતો હોય. સહાબાઓએ પૂછયું કે, નમાઝની ચોરી કેવી ? આપે ફરમાવ્યું કે, નમાઝની ચોરી એ છે કે, તેના રૂકૂઅ સિજદા પૂરેપૂરા અદા ના કરે. ઈર્શાદ નબવી એવો પણ છે કે તેનો કોઈ દીન નથી જેની નમાઝ નથી, નમાઝનો મરતબો દીને ઈસ્લામમાં એવો છે જેવો ઈન્સાનના બદનમાં માથાનો છે. રસૂલે મકબૂલ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાવ્યું કે, તમારા બાળકોને નમાઝનો હુકમ આપો, જ્યારે બાળક સાત વરસનું થાય અને નમાઝ ના પઢે તો તેને મારો.
જ્યારે બાળક દસ વર્ષનું થાય, ત્યારે તેને બિસ્તરથી જુદું કરો (એટલે તેને જુદું સુવડાવો). હવે આપણે નમાઝની રૂહ કોને કહેવાય તે વિષે જાણકારી મેળવીએ.

ભાઈઓ અને બહેનો! નમાઝ “જામેઅ જમીએ ઇબાદાત” છે. તેનો મતલબ એ છે કે, ઈસ્લામમાં, રોઝા, હજ, ઝકાત વગેરે જે જુદા જુદા પ્રકારની ઈબાદત છે, તે સર્વે પૈકી “નમાઝ'માં ઈબાદત સૌથી વધુ પ્રમાણમાં થાય છે. દા.ત રોઝાની ઈબાદતમાં, ખાવું પીવું, સંભોગ, ઉપરાંત વાતચીત નહિ કરવી, આજુબાજુ જોવું નહિ, ન ખરીદ, ન વેચાણ, એ રીતની મનાઈ છે. તેવી જ રીતે ઝકાતની ઈબાદતમાં અમુક ગરીબ, મોહતાજ. મીસ્કીનો સુધી જ તેનું વર્તુળ છે. પરંતુ નમાઝમાં તમામ ઉમ્મત આસુદગી મેળવે છે, કારણ કે નમાઝી એવી દુઆ માંગે છે કે, “અલ્લાહુમગફીર લીલ મુમિનીના વલ મુમીનાત.'' (અર્થ : યા અલ્લાહ ! તમામ મુસલમાન મર્દ અને ઔરતોની બખ્શીશ ફરમાવી દે.) આ દુઆમાં ઉમ્મતે મોહમ્મદીના મરેલા અને જીવતા, દરેકને માટે આસુદગી છે. હજની ઈબાદતમાં એહરામ અને એહલાલ (એહરામથી મુકત થવું) સુધી બંધન છે. હજ સંપૂર્ણ થયા પછી
એહરામમાંથી મુક્તિ મળી જાય છે. પરંતુ નમાઝમાં તકબીરે તેહરીમા કહીને નમાઝમાં દાખલ થવાનું છે અને તહલીલ (સલામ ફેરવ્યા પછી) કરીને નમાઝમાંથી બહાર આવવાનું છે. ઉપરાંત હજમાં મશહુદ ખાનએ કાબા છે. નમાઝમાં કુર્બે મઅબુદ છે. હદીસમાં છે કે, “ઈન્નલ અબ્દા ઈંઝા કામા ઇલસ્સલાતિ રફઅલ્લાહુલ હિજાના બયનહુ વ બયના વજહિલ કરીમ." (અર્થ : બંદો જ્યારે નમાઝ માટે ઉભો થાય છે, ત્યારે અલ્લાહ તઆલા તેના અને બંદા વચ્ચેના પડદા ઉઠાવી લે છે.) જેહાદ પણ એક ઈબાદત છે. નમાઝમાં પણ નફસથી જેહાદ છે. તેથી જ આપણા પ્યારા નબીયે કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે નમાઝને “જેહાદે અકબર" તરીકે ઓળખાવી છે. લડાઈમાં જેહાદ કરવાથી એકાદ મુલ્ક પર કબ્જો મેળવી લેવાય છે. પરંતુ નમાઝના જેહાદમાં તો અઢાર હજાર આલમ પર વિજય મળે છે. કોઈ શાયરે એ વિષયમાં કહ્યું છે કે,
રકઅતે રા કે હસ્ત અઝ દિલોજાં મીલ્કે હઝદહ હઝાર આલમ દાં
તદુપરાંત નમાઝમાં તિલાવતે કુર્આન છે, તસ્બીહ છે, તહલીલ અને દરૂદ ખ્વાની પણ છે. આ બધી ઈબાદતો વધારામાં છે. આટલું સમજી લીધા બાદ, હવે
વધુ જાણકારી મેળવીએ.
નમાઝને કમાલે એહતમામથી અદા કરવી એઈએ. તેનો અર્થ શું છે ? કમાલે એહતમામનો અર્થ એ છે કે, પ્રથમ તો નમાઝને જાહેરી મસાઈલથી શણગારે. તે પછી હુઝૂરીયે દિલ અને બાતિની આગાહીથી શણગારે. જાહેરી મસાઈલ કયા છે, તે દરેક નમાઝીને ખબર છે. પવિત્ર કપડાં, પવિત્ર જગ્યા, વુઝૂ કરવું, વગેરે જાહેરી મસાઈલ છે. અલ્હમ્દો શરીફ પઢવી, તે પછી બીજી કોઈ સુરત પઢવી, કાયદામાં બેસો ત્યારે અત્તહિયાત પઢવું, વગેરે વગેરે જે પઢાય છે, તે જાહેરી મસાઈલ છે. દિલની હુઝૂરી શું ચીઝ છે ? દરેક મુસલમાનના દિલમાં, અલ્લાહ તઆલા તરફ અઝમત, હયબત અને મહોબ્બત વગેરે રાખીને નમાઝ પઢવી. દિલને સીધું અને દુરસ્ત રાખવું. અલ્લાહ તઆલા ફરમાવે છે કે, “અકિમીસ્સલાત લિઝ ઝિકરી.” (અર્થ : નમાઝને મારી યાદ માટે કાયમ કર) ગફલત દૂર થાય તો જ યાદે ઇલાહી કરી શકાય. ગફલત દૂર કરીને નમાઝ પઢવી જોઈએ. આ મુદ્દાને ફારૂકે આઝમ હઝરત ઉમરે (રદિયલ્લાહો અન્હો)એ આવું કહીને સમજાવ્યો છે કે, “ઈન્ના રજુલા યુતીબુ આરિઝહુ વમા અકમલા લિલ્લાહીસ્સલાતા કાલા
કયફા ઝાલિકા." (અર્થ : મર્દ ઈસ્લામમાં બુઢ્ઢો થઈ જાય છે અને અલ્લાહને વાસ્તે નમાઝને કામીલ કરતો નથી.) ઉપરના કથનમાં નમાઝને કામીલ કરવાની વાત છે, તેનો એ જ અર્થ છે કે, નમ્રતા, ખાકસારી અને તવજ્જોહની સાથે નમાઝ પઢવી જોઈએ. આ હકીકત કુઝૂર મદની તાજદાર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ની એક હદીસથી પણ જાણવા મળે છે. તેમાં કહ્યું છે કે, “મિનકુમ મન યુસલ્લિસ્સલાતા કામિલતન વ મિન કુમમન યુસલ્લિન્નિસ્ફા વસ્સલાસા વરરૂબ્આ વલ ખુમ્સા." (અર્થ : તમારામાં કેટલાક એવા છે જે નમાઝને કામિલ રીતે અદા કરે છે, કેટલાક એવા છે જે અડધી પઢે છે, કેટલાક એવા છે જે ૧/૩ પઢે છે, કેટલાક ૧/૪ પઢે છે, કેટલાક ૧/૫ અને ત્યાં સુધી કે ૧/૧૦ હિસ્સા સુધી પહોંચે છે.) આ હદીસ શરીફથી એ પણ જાણવા મળ્યું કે, દરેક જણને તેના દિલની હુઝૂરી મુજબ નમાઝનો હિસ્સો મળે છે. રસૂલે કરીમે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ઈર્શાદ ફરમાવ્યો કે, જે શખ્સ એવી બે રકઅત પઢે, જેમાં દુન્યાવી વસવસા અને વિચારો દખલ ના કરે, તો અલ્લાહ તઆલા તેના આગળ પાછળના તમામ ગુનાહ માફ કરી
દેશે. એક રિવાયતમાં છે કે, બંદો જે માગશે તે તેને મળશે.
નમાઝી ચાર પ્રકારના હોય છે. (૧) અવામ (૨) ખવાસ (૩) ખાસુલ ખ્વાસ (૪) મુકર્રબીન,
જેને અવામની નમાઝ કહેવાય છે, તે આપણા જેવા સામાન્ય માણસોની નમાઝ છે. આપણી નમાઝમાં આપણને દુન્યાવી વસવસા અને વિચારો આવે છે અને નમાઝ બગાડે છે. તો હવે તેનો કોઈ ઈલાજ છે ખરો ? હા ! તેનો ઈલાજ પણ છે. જ્યારે નમાઝી, નમાઝનો ઈરાદો કરે, ત્યારે મયદાને જેહાદમાં જતી વખતે જેવી રીતે સિપાહી ઈસ્લામી વરદી (ડ્રેસ) પહેરે છે અને હથિયાર સંભાળે છે, તેવી જ રીતે નમાઝનો જેહાદ કરનારે પણ ઈસ્લામી વરદી અને હથિયાર સંભળાવાનાં છે. નમાઝની વર્દી એ છે કે પુરૂષના માથાના બાલ કાનની બુટ સુધી અથવા ખભા સુધી હોય, અથવા માથું મુંડાવેલું હોય, એક મુઠ્ઠી જેટલી દાઢી, ચહેરા પર શોભાયમાન હોય, ટખનાથી ઉંચો પાયજામો અને લુંગી ટખનાથી ઉંચી હય, રેશમી અને જાફરાની કપડાં ના હોય, એ રીતે પુરૂષ નમાઝી, મયદાને નમાઝમાં ઉપરોકત વરદી પહેરીને પ્રવેશ કરે છે. તેવી રીતે સ્ત્રી નમાઝી હોય તો એવાં કપડાં
પહેર્યાં હોય કે તેનું બદન અને બાલ દેખાય નહિ. આ રીતે ઈસ્લામી વરદી પહેર્યા વગર, મયદાને નમાઝમાં ઉતરનારાને, શયતાન દુશ્મનના હાથે માર ખાઈ જવાનો પુરો સંભવ છે. આ ઈસ્લામી વરદીની વાતને હસી કાઢવાની નથી. એ જ વાત "કહર” યા "મહર"નો સબબ બની જતાં વાર નહિ લાગે. ઈસ્લામી વરદી પહેરી હશે. તો અલ્લાહની તવજજોહ થવાની સંભાવના છે. હવે મોમીનનું હથિયાર શું છે તે સમજીએ. મોમીન મયદાને નમાઝમાં ઉતરે છે, તે પૂર્વે વુઝૂ કરે છે. વુઝુ, મોમીનનું હથિયાર છે. હદીસ શરીફમાં છે કે, “અલ વુઝૂઓ સિલાહુલ મોમીન.’
તમામ નમાઝને એક મયદાને જેહાદની કલ્પના કરી લો. તમારી પોતાની જાતને મુજાહિદ માની લો. શયતાન અને નફસ સાથે લડનારા મુજાહિદ બની જાવ. તમારા જેહાદને અલ્લાહ તઆલા જોઈ રહ્યો છે, તેવો ખ્યાલ કરી લો. આવું કરવાથી વસવસા અને વિચારો, તમારા દિલમાંથી નીકળી જશે. નમાઝ દુરસ્ત બની જશે.
“નુઝહતુલ મજાલિસ" નામની મશહૂર કિતાબમાં લખ્યું છે કે, જ્યારે નમાઝનો હુકમ નાઝીલ થયો, ત્યારે ઈબ્લીસે એટલે શયતાને એક દર્દનાક ચીખ મારી. તેનું
તમામ લશ્કર ભેગું થઈ ગયું. તેણે કહ્યું કે, નમાઝ નાઝિલ થઈ છે. લશ્કરવાળા બોલ્યા કે, હવે શું કરવું ? ઈબ્લીસે જવાબ આપ્યો કે, જ્યાં સુધી શકય હોય, ત્યાં સુધી નમાઝીઓને રોકો અને એવા ધંધાઓમાં ફસાવી દો કે તેમને નમાઝની ફુરસદ જ ના મળે, કારણ કે રહમતે ઇલાહી નમાઝના અવ્વલ વકતમાં નાઝીલ થાય છે. શયતાને તેના લશ્કરને જણાવ્યું કે, જો નમાઝ પઢતાં તમે તેને રોકી ના શકો તો નમાઝમાં તેની આજુબાજુ ઉપર નીચે, ઉભા થઈ જાવ અને તેને જલ્દી જલ્દી નમાઝ પઢી લેવાનો વસવસો નાખો. જો આટલું કરવા છતાં, તેણે તમારા તરફ ધ્યાન ના આપ્યું અને નમાઝમાં બરાબર મશગુલ રહ્યો, તો તેની એક નમાઝનો સવાબ ચારસો નમાઝ જેટલો લખાશે અને તે મુજાહિદ કામયાબી સાથે, અલ્લાહ પાસે ગુનાહ બખ્શાવીને, સલામની સાથે રૂખ્સત થશે.
હવે બાતિની આગાહી શું છે તે જાણીએ. નમાઝી જયારે ખાલિસ અલ્લાહને વાસ્તે નિય્યત કરીને કાન પર હાથ લગાવે, ત્યારે એવો ખ્યાલ કરે કે અત્યાર સુધી શયતાને લઈન અને નફસના બહેકાવવામાં હું હતો, તે વાતથી હવે તૌબાહ કરૂં છું, એવું મનમાં
વિચારીને કાન પર હાથ લઈ જાય. તમે જાણો છો કે તૌબાહ કરનારો ગુનાહોથી પાક થઈ જાય છે. પછી અલ્લાહની કિબ્રિયાઈ બયાન કરતો કરતો મયદાને નમાઝમાં દાખલ થઈ જાય. જ્યારે નમાઝમાં ક્યામમાં ઉભો રહીને અલ્હમ્દો વગેરે પઢતો હોય ત્યારે ઈસ્તેકામતનો ખ્યાલ રાખે. ફરમાને ખુદાવંદી છે કે, “ફસ્તકિમ કમા ઉમિરતા" (ઈસ્તેકામત મોટી ચીજ છે.) અલ્લાહના અવલીયા કહી ગયા છે કે, “અલ ઇસ્તકામતુ ફવકલ કરામતિ." (અર્થ : ઈસ્તેકામત કરામતથી વધીને છે.) “ઈસ્તેકામત” એટલે કોઈ પણ કાર્ય પર જમી રહેવું, દ્રઢ વળગી રહેવું, અચળ રહેવું, વગેરે અર્થ થાય છે. નમાઝમાં જ્યારે કિરઅત કરે એટલે જ્યારે કુર્આનની સૂરતો પઢે, ત્યારે એવો ખ્યાલ કરે કે મારૂં આ કુર્આન પઢવાનું અલ્લાહ તઆલા જોઈ રહ્યો છે અને સાંભળી રહ્યો છે. તેથી જરૂરી બન્યું કે જે જે સૂરતો નમાઝમાં આપણે પઢીએ, તેના અર્થ પણ જાણી લેવા જોઈએ. કોઈ બાદશાહને અરજી આપીએ અને અરજીમાં શું લખ્યું છે, તે આપણે પોતે જ ના જાણતા હોય તો એવી અરજીનું પરિણામ શું આવે? અર્થ જાણવાથી આયતે તરહીબ આવશે તો ખૌફ
ની કૈફીતય છવાશે અને આયાતે તરગીબ આવશે, ત્યારે ખુશીની કૈફીયત છવાશે. એહકામાત (હુકમો)ની આયાત આવે ત્યાં માથું ઝુકાવી દે, મતલબ એ છે કે, અલ્લાહની બારગાહમાં મુનાજાત કરતા હોય તેવી રીતે રજૂ થાય. તેથી બીજી તરફ ધ્યાન દોરાશે નહિ. હદીસ શરીફમાં છે કે, "લવ અઅલિમલ મુસલ્લી મઆ મન યુનાજી મલ ત-ફત.” (અર્થ : જો નમાઝી એ જાણી લે કે કોની સમક્ષ એ મુનાજાત કરી રહ્યો છે, તો તેનું ધ્યાન બીજી તરફ જશે નહિ.) રૂકૂઅ વખતે, અલ્લાહની અઝમતનો વિચાર કરે. સિજદહ વખતે આપણી પોતાની ઝિલ્લત અને અલ્લાહની ઈઝઝત તથા જલાલતનો ખયાલ કરે. જ્યારે કાયદામાં બેસે ત્યારે એવો વિચાર કરે કે હું નાફરમાન ગુલામ છું. પરંતુ નમાઝની બદૌલત સામાન્ય રીતે અને સિજદહની બદૌલત વિશિષ્ઠ રીતે, માન અકરામ સાથે અલ્લાહ તઆલાએ તેના દરબારમાં મને બેસાડયો છે.
અફસોસ ! સદ અફસોસ ! જે લોકો નમાઝ પઢતા નથી તેને માટે એક બુઝર્ગ કહી ગયા છે કે,
(અર્થ : શયતાને તો આદમને સિજદો કર્યો નહિ પરંતુ ઈન્સાન તો અલ્લાહને પણ સિજદો કરતો નથી. માટે શયતાન ઈન્સાનથી હજાર
વાર બહેતર છે.)
ફરમાને નબવી છે કે, “મન તરકસ્સલાત મુતઅમ્મીદન ફ-કદ ક-ફ-રા.” (અર્થ : જેણે જાણી જોઈને નમાઝ છોડી, તે કુફ્રની તરફ પહોંચી ગયો.)
હવે ખ્વાસની નમાઝ જઈએ. ખાસ ગિરોહમાં દાખલ થવા માટે સાચા પીરથી બયઅત કરવી જોઈએ.જેથી તેમની નમાઝનો હિસ્સો મુરીદને મળે. પીરની સંગતમાં એખલાસ અને મહોબ્બતથી રહે. સાચા પીરની ઓળખ એ છે કે તેના અકીદા સુન્ની અકીદા હોવા જોઈએ. તે પાબંદે શરઅ હોવો જોઈએ. તેની સંગતમાં દુનિયાથી નફરત અને અલ્લાહની યાદ આવવી જોઈએ.
તેનો સીલસીલો મદની તાજદાર સુધી મુસલસલ પહોંચવો જોઈએ. કોઈ જગ્યાથી એ સીલસીલો તુટેલો ન હોવો જોઈએ. આવા ખ્વાસ શખ્સે અલ્લાહ તઆલાને કારી (પઢનાર) અને પોતાની જાતને સામિઅ એટલે સાંભળનાર સમજવો જોઈએ. તેનો વિસ્તૃત અર્થ એવો છે કે, કિરઅત કરતી વખતે આવો ખ્વાસ નમાઝી પોતાની જાતે ‘શજરે મુસવી' (એટલે હઝરત મુસાનું ઝાડ) સમજે. હઝરત મુસાના ઝાડમાંથી અલ્લાહનો અવાજ આવ્યો હતો. આવો શખ્સ એવું સમજે છે કે, જે અવાજ મારામાંથી નીકળે છે તે મારો અવાજ નથી, પણ અલ્લાહનો અવાજ
છે. સિજદા વખતે, તેવો શખ્સ એવું વિચારે છે કે, "અસ્સાજિદુ અસ્સજુદુ અલાકદમિયલ્લાહ." અહીં અલ્લાહના કદમનો અર્થ જલાલી અને જમાલી ઝિલાલે અસ્મા સમજવાના છે.
હવે ખાસુલ ખાસની નમાઝ જોઈએ. આવા ખાસુલ ખાસ બંદા તો દરેક વખતે નમાઝમાં જ હોય છે. “હુમ અલા સલાતિહીમ દાએમુન."
ખાસુલ ખાસ નમાઝીઓ, નમાઝના દરેક રૂકનમાં અસ્માએ ઇલાહીની તજલ્લીઓથી પ્રકાશિત થઈને તરક્કી પર તરક્કી પ્રાપ્ત કરતા જાય છે. તેવા લોકો જ “અસ્સલાતુ મેઅરાજુલ મોમેનીન.’'ના અર્થમાં તે ઉરૂજી મુકામથી લુત્ફેખાસ પ્રાપ્ત કરે છે. આવા લોકો, "અન તઅબુદલ્લાહા ક-અન્નકા તરાહુ." (અર્થ : તુ તારા પરવરદિગારની એવી ઈબાદત કર, જાણે તુ તેને જોઈ રહ્યો છે.) તેના મીસ્દાક બની જાય છે. આવા ખાસ લોકોની નમાઝમાં, અલ્લાહના 'કચ્યુમ' નામની તજલ્લીઓ જાહેર થાય છે. કારણ કે આ લોકો તકબીર વખતે પોતાના વજૂદનો જ જાણે નાશ કરી નાખે છે. તે લોકો પોતાનો કયામ અને તમામ આલમનો કયામ 'કય્યુમ' શબ્દમાં જુએ છે.
કીરઅત વખતે તેમની પર કલામની તજલ્લી જાહેર થાય છે. અલ્લાહ તઆલા
ફરમાવે છે કે, જો કુર્આને હકીમને પહાડ પર નાઝીલ કર્યું હોત, તો તે પહાડ પણ ચુર ચુર થઈ જાત. જ્યારે પહાડની આવી હાલત થઈ શકે, તો જે ખાસ નમાઝીના દિલમાં કુર્આને હકીમ જગા મેળવે છે, તે દિલની શી હાલત થતી હશે, તેનો વિચાર કરી લેજો. આવા ખાસ નમાઝીનો સીનો કુર્આનના ભારથી ફાટવા માંડે છે. તેમની પર રૂકૂઅ સમયે 'અઝીમ' શબ્દની તજલ્લી નાઝીલ થાય છે, આ શબ્દની તજલ્લી જો તેનામાં શાને રબુબીયત રાખતી ના હોત તો, તેનું વજુદ પારા પારા થઈ જાત. આવા ખાસ નમાઝીના સિજદા વખતે 'અલિય્યુ' શબ્દની તજલ્લી જાહેર થાય છે. એ જ તજલ્લી એવી છે કે, નમાઝી સૂર્યની માફક ચમકતો અને રોશન બની જાય છે. આવો ખાસ નમાઝી જ્યારે કાયદામાં બેસે છે, ત્યારે 'મતીન' શબ્દની તજલ્લી જાહેર થાય છે. હદીસ શરીફમાં છે “રબ્બેહી યુમ્તરૂના રબ્બેહી યુરઝકુના." (અર્થ : તેમના જ સદકાથી વરસાદ વરસે છે અને તેમના જ તુફેલથી રીઝક આપવામાં આવે છે.) આવા નમાઝીને તેની નમાઝના દરેક રૂકનમાં અલ્લાહના વિવિધ નામો જે ઉપર બતાવ્યાં, તેની સફર કરાવવામાં આવે છે. કોઈ કિતાબમાં
વાંચ્યા ના હોય કે કાનથી સાંભળ્યા ના હોય, તેવા ઉલૂમ અને મઆરિફના દરવાજા આવા નમાઝી માટે ખુલી જાય છે. મૌલાના 'રૂમ' ફરમાવે છે કે:
ઇબ્ર તો બેદારી, અઝ યઝદાં તલબ
ન અઝ કિતાબો, ન અઝ મકાલો - હુરફો - લબ
હવે મુકર્રબીનની નમાઝ વિષે જાણકારી મેળવીએ. આવા હઝરાતની નમાઝનું તો વર્ણન કરવું જ મુશ્કેલ લાગે છે. કારણ કે તેમાં એટલે એવા નમાઝીમાં અંબિયા હઝરાત દાખલ છે. અલ્લાહ તઆલાએ, તેમને તમામ મલૂકમાંથી ચૂંટી કાઢેલા છે. તે સૌ અંબિયાએ કિરામમાં સૌથી આલા, સૌથી બુલંદ, સૌથી વધુ અફઝલીયતવાળા આપણા મદની તાજદાર છે. મહેબૂબિયતના ખીરકાથી તેમનો મર્તબો બુલન્દ કરવામાં આવ્યો છે. આપ દાએમુલ હુઝન હતા. તેનો અર્થ એવો છે કે, આપને સદાય તકલીફ આપવામાં આવી અને સતાવવામાં આવ્યા. હદીસ શરીફમાં છે કે, "મા ઉઝીયા નબીયુમ મિસ્લા ઉઝીતુ." (અર્થ : કોઈ નબીને એવી ઈજા આપવામાં આવી નથી, જેવી મને આપવામાં આવી) અત્રે જે ઈજાનું બયાન છે, તે મઅનવી ઈજા છે. શારીરિક ઈજાઓ તો બીજા અંબિયાઓને વધારે પહોંચી હતી. આ વાતો આશિકો જ સમજી શકે તેમ
છે. એક પ્રકારનો કલ્ક અને ઇઝતિરાબ હુઝૂર પર છવાયેલો રહેતો હતો અને તેની શાંતિ માત્ર નમાઝમાં જ થતી હતી. તેથી જ હુઝૂરે ફરમાવ્યું છે કે, “જુએલત્ કુર્રતો ઐની ફિસ્સલાત" (અર્થ : મારી આંખોની ઠંડક નમાઝમાં રાખી છે.) જ્યારે આતિશ ભડકતી ત્યારે હુઝૂર ફરમાવતા કે, “યા બિલાલો અરિહના બિસ્સલાતે." (અર્થ : અય બિલાલ ! મને નમાઝની સાથે આરામ પહોંચાડ.) આપ સરકારના સદકામાં સહાબાએ કિરામ અને અવલિયાઓને એ નમાઝનો હિસ્સો ઝમનન અને વિરાસતન, મર્તબાના તફાવતને કાયમ રાખીને મળ્યો છે. હુઝૂરના તુફેલથી એ હિસ્સો તેમના આશિકોને મળ્યો ન હોત, તો આશિકોની જીંદગી વબાલ બનીવ જતી. નમાઝના એ હિસ્સાનું પરિણામ છે કે, એક વખત હઝરત અલી શેરે ખુદાને પગમાં તીર વાગ્યું હતું અને તીરની અણી રાન મુબારકમાં તૂટી ગઈ હતી, છતાં નમાઝમાં મશગુલ હતા. તે અણી કાઢી લેવામાં આવી, છતાં આપને ખબર ના પડી. હુઝૂરની નમાઝના તુફેલમાં જ હઝરત અબૂબક્ર સિદિક (રદિયલ્લાહો અન્હો)ને "અફઝુલન્નાસે બઅદલ અંબિયાએ"નો લકબ મળ્યો છે. જુદા જુદા સહાબાઓની એવી શાનદાર
નમાઝોનો ઉલ્લેખ કિતાબોમાં થએલો છે. લંબાણ થવાના ભયે અત્રે તે તમામ નમાઝોની વિગતો આપી નથી. એક દાખલો આપીએ છીએ. હઝરત શીબ્લી રમઝાન શરીફમાં ઈમામની પાછળ નમાઝ પઢતા હતા. જયારે ઈમામે આ આયત, “લ-ઇન શેખના લ-નઝ હ-બના બિલ્લઝી અયૈહયના ઈ-લયકા” પઢી, ત્યારે હઝરત શીબ્લી બેહોશ થઈ ગયા. લોકોને એવું લાગ્યું કે, તે ગુજરી ગયા. પરંતુ જીવતા હતા.
હબીબે ખુદા, રૂહી ફીદા (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના સદકામાં અને તુફેલમાં આપણને નેઅમતે ઉઝમા એટલે નમાઝની નેઅમત મળી છે. તે મેઅરાજ છે, આંખોની ઠંડક છે. દિલની શાંતિ છે. ભાઈઓ અને બહેનો! નમાઝી બનો. ઘેર ઘેર નમાઝ ફેલાવો. એકાગ્ર ચિત્તે, શાંતિથી, પુરા આદાબ અને અરકાનથી નમાઝ તેના ચોક્કસ સમયે પઢી લો. ગફલત કરીને નમાઝને વેડફી નાખશો નહિ. અલ્લાહ તઆલા સૌ ભાઈ-બહેનોને નમાઝ પઢવાની હિદાયત આપે-આમીન.
(અર્થ : જો કે નમાઝ પાંચ વખત માટે જ છે. પરંતુ આશિકો તો સદાય નમાઝમાં હોય છે. જે શખ્સને પાંચ લાખ અસરાર અને તજલ્લીનો ખુમાર રહેતો હોય, તેને પાંચ વખતની નમાઝમાં ક્યાં શાંતિ મળે
છે ?
' નૌશએ બઝમે જન્નત' અંક ( તયબાહ) એપ્રિલ+મે ૨૦૦૪
અનુક્રમણિકા પર પાછા જાઓ

અજોડ ખૂબીઓના માલિક રસૂલે આઝમ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)

સંપાદક : સૈયદ મંઝુર હુસૈન એન. હુસૈની આંતરોલીવાલા)
મુહમ્મદ મુસ્તફા, નુરે ખુદા, નામે ખુદા તુમ હો
શહે ખૈરૂલ વરા, શાને ખુદા, સલ્લે અલા, તુમ હો
હોવલ અવ્વલ, હોવલ આખિર, હોવલ ઝાહિર, હોવલ બાતિન
બે કુલ્લે શૈઈન, અલીમે, લૌહે મહફુઝે ખુદા, તુમ હો
(૧) જન્મની હૈસિયતે આપનું “અવ્વલુલ અંબિયા" (પ્રથમ નબી) હોવું : હદીસમાં આવ્યું છે કે, કાઅનન્નબીયો વ આદ-મો બયનર્રહિલ વલ જ-સદિ. (અર્થાત : હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) એ સમયે નબુવ્વતથી નવાજાઈ ચૂકયા હતા, જ્યારે કે હઝરત આદમ (અલયહિસ્સલામ) શરીર અને રૂહના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. (ઝુર્કાની, અલલ મવાહિબ : ભાગ-૫, પૃષ્ઠ-૨૪૨)
(ર) આપનું અંતિમ નબી હોવું.
(૩) સમગ્ર સૃષ્ટિનું સર્જન આપના માટે થયું.
(૪) આપનું પવિત્ર નામ અર્શ અને જન્નતના માથે અંકિત કરવામાં આવ્યું.
(૫) બધા જ આકાશી ગ્રંથોમાં આપની ભવિષ્યવાણી કરવામાં આવી.
(૬) આપના જન્મ સમયે બધી જ મૂર્તિઓ ઊંધી થઈ પડી ગઈ.
(૭) આપનું શક્કે સદ્ર (છાતી છેદન) થયું.
(૮) આપને મેઅરાજ અર્પણ કરવામાં આવી
અને આપની સવારી માટે બુર્રાક લાવવામાં આવ્યો.
(૯) આપ પર નાઝિલ થનારો ગ્રંથ (કુર્આન) પરિવર્તન અને ફેરફારથી સુરક્ષિત કરી દેવાયો. કયામત સુધી તેના રક્ષણની જવાબદારી અલ્લાહ તઆલાએ પોતે સ્વીકારી. (કુર્આન)
(૧૦) આપને 'આયતુલ કુર્સી' અર્પણ કરવામાં આવી.
(૧૧) આપને ધરતીના તમામ ખજાનાઓની 'ચાવીઓ' અર્પણ કરવામાં આવી.
(૧૨) આપને ‘જવામિઉલ કલિમ'ના મો'જિઝાથી નવાજવામાં આવ્યા.
(૧૩) આપને સાર્વત્રિક રિસાલતના પદથી આભૂષિત કરવામાં આવ્યા.
(૧૪) આપની નબુવ્વતના સમર્થન અને પુષ્ટિ માટે ચંદ્રના બે ભાગનો મો'જિઝો અસ્તિત્વમાં આવ્યો.
(૧૫) આપના માટે માલેગનીમતને અલ્લાહ તઆલાએ હલાલ ઠેરવ્યો.
(૧૬) સમગ્ર ધરતીને અલ્લાહ તઆલાએ આપને માટે મસ્જિદ ઠેરવી અને પવિત્રતા પ્રાપ્ત કરવા માટે તયમ્મુમનું સાધન ઠરાવી દીધું. (એટલે જમીનને)‌
૧૭) આપના કેટલાક મો'જિઝાઓ જેમકે કુર્આન મજિદ કયામત સુધી કાયમ રહેશે.
(૧૮) અલ્લાહ તઆલાએ તમામ અંબિયાઓને તેમનું નામ લઈ સંબોધ્યા, પરંતુ આપને સારા સારા ઈલ્કાબોથી સંબોધ્યા.
(૧૯) અલ્લાહ તઆલાએ આપનું "
હબીબુલ્લાહ”ના આદરણીય લકબથી બહુમાન કર્યું.
(૨૦) અલ્લાહ તઆલાએ આપની રિસાલત, આપની જિંદગી, આપનું શહેર, આપના યુગના સોગંદ સહિત આપને યાદ ફરમાવ્યા.
(૨૧) આપ આદમ અલયહિસ્સલામના તમામ સંતાનોના સરદાર છે.
(રર) આપ અલ્લાહ તઆલાના દરબારમાં અકરમુલ ખલ્ક' (માનવ શ્રેષ્ઠ) છે.
(૨૩) કબ્રમાં આપની પવિત્ર હસ્તી બાબતે મુન્કર અને નકીર નામના બે ફરિશ્તા મુડદાને સવાલ કરશે.
(૨૪) આપના પછી આપની પુનિત પત્નીઓ સાથે નિકાહ કરવો હરામ ઠરાવાયું.
(પ) દરેક નમાઝી પર અનિવાર્ય કરી દેવાયું કે. નમાઝમાં 'અસ્સલામો અલય-ક અય્યોહન્નબીયો' પઢીને આપને સલામ કરે.
(૨૬) જો કોઈ નમાઝીને નમાઝની હાલતમાં હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) પોકારે, તો તે નમાઝ છોડીને આપના પોકાર પર દોડી જાય. આ તેના પર વાજિબ-અનિવાર્ય છે અને આમ કરવાથી તેની નમાઝ તૂટશે નહીં.
(૨૭) અલ્લાહ તઆલાએ પોતાની શરીઅતના આપને આધિપતિ બનાવ્યા છે. આપ જેના માટે, જે ચાહે, હલાલ ફરમાવી દે અને જેના માટે જે ચાહે તે હરામ ફરમાવી દે.
(૨૮) આપના મિમ્બર અને કબરે અન્વર વચ્ચેની જમીન,
જન્નતના બગીચાઓમાંથી એક બગીચો છે.
(૨૯) કયામતનો સૂર ફુકાતાં, સૌ પ્રથમ આપ પોતાની કબરમાંથી બહાર આવશે.
(૩૦) આપને 'મુકામે મહમૂદ'નું ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું.
(૩૧) આપને ઉચ્ચતમ શફાઅતના બહુમાનથી નવાજવામાં આવ્યા.
(૩૨) આપને કયામતના દિવસે "લિવાઉલ હમ્દ" નામનો ઝંડો અર્પણ કરવામાં આવશે.
(૩૩) આપ સૌ પ્રથમ જન્નતમાં દાખલ થશે.
(૩૪) આપને 'હૌઝે કૌસર' જેવી મહાન નેઅમત આપવામાં આવી.
(૩૫) કયામતના દિવસે, દરેક શખ્સનો વંશીય સંબંધ કપાઈ જશે, પરંતુ આપનો વંશ-સંબંધ કપાશે નહીં.
(૩૬) આપ સિવાય, કોઈપણ નબી પાસે ફરિશ્તા હઝરત ઈસરાફિલ (અલયહિસ્સલામ) ઉતર્યા નથી.
(૩૭) આપના દરબારમાં ઊંચા સ્વરે બોલનારના નેક કર્મો નષ્ટ કરી દેવાય છે.
(૩૮) આપને હુજરાઓની બહારથી પોકારવાનું હરામ ઠરાવાયું છે.
(૩૯) આપની સહેજ પણ ગુસ્તાખી કરનારની સજા કતલ છે.
(૪०) આપને તમામ અંબિયા (અલયહિસ્સલામ)થી વધારે મો’જિઝાઓ અર્પણ કરવામાં આવ્યા છે. (ઝુર્કાની, અલલ મવાહિબ : ભાગ ૫)
'નૌશએ બઝમે જન્નત' અંક ( તયબાહ)
એપ્રિલ+મે ૨૦૦૪
અનુક્રમણિકા પર પાછા જાઓ

અસ્હાબે કહફ

સંપાદક: અબ્દુલ કૈયુમ વહોરા
* અસ્હાબે કહફની સંખ્યા સાત હતી.
(૧) મકસલમીના
(૨) યમલીખા
(૩) મરતૂનુસ
(૪) બૈનુનુસ
(૫)સારેનુનુસ
(૬) જુનવાનુસ
(૭) કશફીત તનુનુસ.
* શહેર અફસોસના શુરફા મૌજિજીનમાંથી ઇમાનદાર લોક હતા તે શહેર તરતુસ ના હતા.
* અસ્હાબે કહફના મોટા સાહબનું નામ મિક્સલમીના છે.
* અસ્હાબે કહફ ઇસા અલયહિસ્સલામની શરીઅત પર અમલ કરતા હતા.
* જે બાદશાહે અસ્હાબે કહફ ઉપર જુલ્મ કર્યો હતો તેનું નામ દકિયાનુસ હતું.
* જે ગારમાં અસ્હાબે કહફે આશરો લીધો તેનું નામ હૈજુમ હતુ. તે રકીમ યા તો બખલૂસ પહાડમાં આવેલ છે. તે વાદીએ રકીમમાં આવેલ છે. અસ્હાબે કહફના કૂતરાનું નામ કિતમીર છે. તે પીળા રંગનો છે.
* તે કૂતરો શિકારી પાલતુ હતો. હિજરત વખતે તે કૂતરો સાથે હતો.
* અસ્હાબે કહફ ગારમાં તુલુઅ એ આફતાબ વખતે દાખલ થયા. અને જયારે ઉઠયા તો ગુરૂબ આફતાબની નજીક હતા.
* ત્રણસો વરસ ગારમાં અસ્હાબે કહફ સૂઈ રહ્યા.
* ઈ.સ. ૨૪૯માં સુઈ ગયા ૫૪૯ ઈ.સ.માં જાગ્યા. સરકારે મદીનાની વિલાદતના ૨૧ વરસ પહેલાં.
* અસ્હાબે કહફ જાગવાના
સમયે બાદશાહ બેદરૂસ હતો.
* અસ્હાબે કહફ વરસમાં દસ મોહર્રમના રોજ કરવટ બદલે છે.
* અસ્હાબે કહફ ઇમામ મહેંદીના જમાનામાં બેકાર થશે અને જેહાદ કરશે.
અરહાબે કહફ નામના ફાયદા :-
* મકાનના દરવાજા ઉપર લખવાથી મકાન આગથી મહફુજ રહેશે.
* સામાન ઉપર મુકવાથી ચોરી નહીં થાય.
* હોડી યા તો જહાજમાં રાખવાથી તે ડુબશે નહીં.
* ભાગેલો શખ્સ આની બરકતથી પાછો આવે છે.
* જયાં આગ લાગી હોય ત્યાં આ નામ કાપડમાં લખીને નાખવાથી આગ બુજાઈ જાય છે.
* કોઈ બાળક બહુ રડતું હોય તો આ નામ લખીને માથા નીચે મુકવાથી રડવાનું બંધ થઈ જશે.
* અગર ચડતો ઉત્તરતો તાવ આવતો હોય તો આ નામ લખી બાજુઓ પર બાંધવાથી તાવ ઉતરી જશે.
* માથાનું દર્દ * સફરમાં જાન માલની હિફાજત * દિમાગમાં તેજી * કેદીઓની આઝાદી માટે આ નામ સાથે રાખવા ફાયદા કારક છે.
* ખેતીની હિફાજત માટે આ નામોનું તાવીજ બનાવી લાકડીમાં ખેતરમાં વચ્ચે લગાવી દે.
* હાકિમ કે અફસરની પાસે જવા આનું તાવીજ રાન (જાંઘ) પર બાંધવાથી હાકિમ નરમ બનશે.
* બાળકના જન્મ સમયે કોઈ ઔરત અસ્હાબે કહફના નામનું
તાવીઝ લખીને પોતાની ડાબી જાંઘ પર બાંધે તો જન્મ આસાન થશે. ઇલ્મનો ખઝાનો પૃ. ૨૧૧,૨૧૨
અનુક્રમણિકા પર પાછા જાઓ

જંગે ખંદક

સંપાદક: અબ્દુલ કૈયુમ વહોરા
* હઝરત સલમાન ફારસી રદીયલ્લાહુ ત્આલા અન્હુએ મશ્વરો ખંદક ખોદવાનો નબીયે પાક સલ્લલ્લાહો ત્આલા અલયહે વસલ્લમને આપ્યો.
* નબીયે કરીમ સલ્લલ્લાહો આલા અલયહે વસલ્લમ જયારે ખંદક ખોદી રહ્યા હતા ત્યારે ભુખની વજહથી પેટ પર પથ્થર બાંધ્યો હતો.
* જંગએ ખંદકના મૌકા પર અમર બિન અબ્દે વુદ નામના યહુદીની લાશના માટે દશ હજાર રૂપિયા નકકી કર્યા.પરંતુ આપે પૈસા લીધા વગર તેની લાશ આપી દીધી.
* ખાલિદ બિન વલીદ અને અમ્ર બિન આસ સહાબાએ કિરામ કે જેમણે જંગએ ખંદક ઇસ્લામના વિરુદ્ધ લડી હતી, કેમકે તેઓ તે વખતે ઇસ્લામમાં દાખિલ થયા ન હતા.
* હઝરત હમઝાની બહેન હઝરત સફિયા રદીયલ્લાહો ત્આલા અન્હાએ જંગએ ખંદકમાં એક યહુદીને કત્લ કર્યો હતો.
* જંગએ ખંદક ૧૫ દિવસ સુધી ચાલુ રહી હતી.
* જંગએ ખંદકના મૌકા પર છ સહાબાએ કિરામ રદીયલ્લાહો ત્આલા અન્હો શહીદ થયા.
* જંગએ ખંદકમાં એક દિવસ કોઈપણ મુસલમાન લડાઇના કારણે નમાઝ અદા કરી ન શકયા જે બીજા દિવસે અદા કરી તે નમાઝોની સંખ્યા ચાર હતી.
* જંગએ ખંદકના છેલ્લા
દિવસોમાં નબીયે કરીમ સલ્લલ્લાહો ત્આલા અલયહે વસલ્લમ મસ્જિદમાં બેસીને ઇસ્લામના વિજય અને કાફિરોની હાર માટે દુઆ ફરમાવતા હતા. આપે સતત ત્રણ દિવસ સુધી મસ્જિદે ફતહમાં દુઆ કરી હતી.
* જંગએ ખંદકની લંબાઇ સાઢા ત્રણ માઇલ, પહોળાઈ ૧૫ ફીટ અને ઉંડાઈ ૨૦ ફૂટ હતી.
* ખંદક ખોદવા માટે ત્રણ હઝાર સહાબાએ કિરામ કામ કરી રહ્યા હતા. ઇલ્મનો ખઝાનો પૃ. ૧૨૧, ૧૨૨
અનુક્રમણિકા પર પાછા જાઓ